ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં છેલ્લા 12 કલાકથી મેઘરાજાએ મન મૂકીને વરસતાં ચારેકોર જળબંબાકારની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાં અને ખાડીઓ છલકાઈ જતાં સમગ્ર વિસ્તારમાં પાણીની ભયાનક આવક થઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

બુવા ગામ જળમગ્ન, સ્ટેટ હાઇવે પર કમરસમા પાણી

ભારે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં આમોદ તાલુકાનું બુવા ગામ ચોતરફથી ઘેરાઈ જઈને બેટમાં ફેરવાઈ ગયું છે. બુવા ગામનું પીકઅપ સ્ટેન્ડ તેમજ પ્રખ્યાત ભાથીજી મંદિર સહિતનો આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. આ સાથે જ બુવા ગામ નજીકની ખાડી બે કાંઠે ઓવરફ્લો થતાં આમોદ, વાગરા અને ઔદ્યોગિક વિસ્તાર દહેજને સાંકળતા મુખ્ય સ્ટેટ હાઇવે પર કમરસમા પાણી ફરી વળ્યા છે.

Bharuch Rain Update: Amod-Dahej State Highway Closed Due To Severe Flooding

દુર્ઘટના રોકવા હાઇવે બંધ, માર્ગ પર ચુસ્ત પોલીસ પહેરો

રસ્તા પર પાણીનું વહેણ અત્યંત જોખમી બનતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આમોદ-દહેજ માર્ગ પર નોટિસ બોર્ડ લગાવી નાના-મોટા તમામ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોઈ પણ વાહનચાલક કે નાગરિક સાહસ કરીને આ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા અને આ માર્ગનો ઉપયોગ ન કરવા કડક એડવાઈઝરી આપવામાં આવી છે.


આ પણ વાંચો - 2 August Top News: 2 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ