વાવ તાલુકાના ભાચલી ગામે વરસાદી પાણીના નિકાલની વિકટ સમસ્યાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ સમસ્યા સર્જાતી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ જ કાયમી ઉકેલ લાવવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્લોટ વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ઘરોમાં કેદ
ગામના પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો પોતાના ઘરોમાં જ કેદ થઈ જવા મજબૂર બન્યા છે. અવરજવરના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવાથી રોજિંદુ જીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
