વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેમાં માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં વરસેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને વાપીમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. આ ભારે વરસાદના કારણે વાપીના બંને અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જીઆઈડીસી (GIDC), સ્ટેશન રોડ અને ટાઉન બજાર જેવા મુખ્ય વિસ્તારો જળબંબાકાર થતાં સ્થાનિકો તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેની સીધી અસર સમગ્ર શહેરના જનજીવન અને અવરજવર પર પડી છે.
ટ્રેનો રદ થવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા
વરસાદની આ ગંભીર અસર રેલવે સેવા પર પણ જોવા મળી છે. વલસાડના પાલઘર પાસે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતા રેલવે તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેનો રદ થવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ અને વાપી સ્ટેશને અટવાઈ પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા કેટલીક ટ્રેનોને સુરત અને અમદાવાદ તરફ પરત મોકલી દેવામાં આવી છે, જેથી મુસાફરોને વધુ હેરાનગતિ ન થાય.
