વલસાડ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર પુનઃઆગમન કર્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે ભારે ગાજવીજ અને કડકા-ભડકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા સ્થાનિક નાગરિકો અને પંથકના ખેડૂતો માટે આ વરસાદ સંજીવનીરૂપ સાબિત થયો છે.
ખેડૂતોમાં ખુશીની લહેર અને વાતાવરણમાં પ્રસરી ઠંડક
અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વર્તાઈ રહેલા અસહ્ય બફારા અને ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે. સમગ્ર વિસ્તારમાં ક્ષણવારમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. આ સિવાય વાવણી અને ઊભા પાક માટે અત્યંત જરૂરી એવા વરસાદનું આગમન થતાં જ જિલ્લાના ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
