મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની ટ્રાન્સમિશન લાઇન અને વીજપોલ વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. હાલમાં જ મોરબીના આદરણા ખાતે ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી, જેમાં સરકારી પરિપત્ર મુજબ મળવાપાત્ર વળતરને ખેડૂતોએ અસ્વીકાર્ય ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો સ્પષ્ટ આરોપ છે કે ખાનગી કંપનીઓની ટ્રાન્સમિશન લાઇન માટે તેમની જમીનોનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તે મુજબ યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ પરિપત્રના વિરોધમાં ખેડૂતોએ પોતાના હક અને ન્યાય માટે લડત લડવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.
2027ની ચૂંટણી બહિષ્કારની ચીમકી
ખેડૂતોના આક્રોશને કારણે આંદોલને હવે રાજકીય વળાંક પણ લીધો છે. મોરબી વિસ્તારના 50થી વધુ ગામોમાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો માટે 'પ્રવેશબંધી'ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ એકસૂર થઈને 2027ની આગામી વિધાનસભા ચૂંટણીનો પૂર્ણ બહિષ્કાર કરવાની ખુલ્લી ચીમકી આપી છે. સરકારી નીતિઓ સામે ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલો આ અસંતોષ વહીવટી તંત્ર અને શાસક પક્ષ માટે મોટો પડકાર બની રહ્યો છે, કારણ કે આંદોલનની આગ હવે આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી પ્રસરી રહી છે.
