ઔદ્યોગિક પાટનગર મોરબીમાં શેરબજાર અને આઈપીઓમાં રોકાણના નામે મસમોટા વળતરની લાલચ આપી નાગરિકોની જીવનભરની મૂડી સાફ કરી નાખતી સાયબર ગેંગ સક્રિય બની છે. મોરબીમાં જંતુનાશક દવાનો વ્યવસાય કરતા સ્થાનિક વેપારી વિજ્ઞેશ પરમારને શેરબજારના ટ્રેડિંગમાં રોકાણ કરાવી અધધ નફો કમાઈ આપવાની લાલચ આપીને અજાણ્યા સાયબર ગઠિયાઓએ રૂપિયા 84.80 લાખની તોતિંગ રકમની છેતરપિંડી આચરી હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે. સાયબર ઠગોએ વેપારીને ભરોસામાં લેવા માટે બનાવટી એપ્લિકેશનનો ઉપયોગ કરી આખું ષડયંત્ર પાર પાડ્યું હતું.

‘Vip 2 investment alliance training group A’ દ્વારા બિછાવી જાળ

સાયબર ઠગોએ વેપારી વિજ્ઞેશ પરમારના મોબાઈલ નંબરને ‘Vip 2 investment alliance training group A’ નામના વોટ્સએપ ગ્રૂપમાં સામેથી એડ કર્યો હતો.આ ગ્રૂપમાં અગાઉથી સંડોવાયેલા એડમિન અને બોગસ સભ્યો દ્વારા શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાઈ લીધાના ફેક સ્ક્રીનશોટ્સ અને મેસેજ સતત મોકલવામાં આવતા હતા.વેપારીને વિશ્વાસમાં લઈ બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓના શેરમાં પ્રાઇવેટ એલોટમેન્ટ અને બ્લોક ડીલ થકી ખૂબ જ ટૂંકા ગાળામાં જંગી રિટર્ન મળવાની લાલચ આપવામાં આવી હતી.

‘Galad Arab’ એપ ડાઉનલોડ કરાવી આભાસી નફો દેખાડ્યો

વેપારીને શંકા ન જાય તે માટે આરોપીઓએ હાઇટેક સ્કેમ રચી નાણાં પડાવ્યા. ઠગોએ વેપારીના ફોનમાં ‘Galad Arab’ નામની એક થર્ડ-પાર્ટી અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.વેપારી દ્વારા રોકાણ પેટે મોકલવામાં આવતા નાણાં આ એપ્લિકેશનના વોલેટમાં જમા દેખાતા હતા અને સાથે સાથે શેરના ભાવ વધતાં નફો પણ સ્ક્રીન પર લાખો રૂપિયામાં દર્શાવવામાં આવતો હતો.જ્યારે વેપારીએ પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવા (વિથડ્રો કરવા) નો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ ટેક્સ, સર્વિસ ચાર્જ અને કમિશનના બહાના હેઠળ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી.આખરે નફો કે મૂળ રકમ કશું જ પરત ન મળતાં વેપારીને ભાન થયું કે એપમાં દેખાતી બેલેન્સ માત્ર ડિજિટલ છેતરપિંડી હતી અને પોતે ₹84,80,000ગુમાવી ચૂક્યા છે.

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો દાખલ

પોતાની સાથે થયેલી વિશાળ ઠગાઈનો અહેસાસ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનાર વેપારી વિજ્ઞેશ પરમારની ફરિયાદના આધારે બે વોટ્સએપ મોબાઈલ નંબર તેમજ તપાસ દરમિયાન આ કૌભાંડમાં જેમના પણ નામ કે ભૂમિકા ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.સાયબર ટીમો દ્વારા જે જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા તે તમામ એકાઉન્ટ્સની વિગતો મેળવીને રકમ ફ્રીઝ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.‘Galad Arab’ એપ સાથે સંકળાયેલા આઈપી એડ્રેસ અને સર્વર લોકેશન મેળવી આંતરરાજ્ય સાયબર નેટવર્ક સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો: Rajkot: શહેરમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાનો વિસ્ફોટ, સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો