મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન અને વીજપોલના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. યોગ્ય ન્યાય ન મળતાં હળવદના જૂના દેવળીયા અને નવા દેવળીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામજનોએ ઢોલ વગાડીને બેનરો સાથે વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશે ભરાયેલા ગ્રામજનોએ ગામના પાટીયે "2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી" ના બેનરો લગાવી દીધા છે.
જેતપર આંદોલનને રાજ્યભરના ખેડૂતોનું સમર્થન
હળવદ પંથકના જેતપર ગામે શરૂ થયેલા આ ખેડૂત આંદોલનની જ્વાળા હવે સમગ્ર મોરબી જિલ્લા અને રાજ્યભરમાં પ્રસરી ગઈ છે. મોરબી જિલ્લાના 40થી વધુ ગામોમાં ભાજપ વિરોધી બેનરો લાગી ચૂક્યા છે અને રાજ્યભરના ખેડૂત સંગઠનો આ આંદોલનના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીઓ અને સરકાર કિંમતી જમીનોમાં મોટા પોલ ઊભા કરી દે છે પણ જમીન ધોવાણ તથા પાક નુકસાનીનું વાજબી વળતર આપતી નથી.
