મોરબી પંથકના વાઘપર અને પીલુડી ગામે ખેડૂતો દ્વારા એક મહત્વની રાત્રી સભા યોજવામાં આવી હતી.આ સભામાં વિજપોલના કારણે થતા મોટા નુકસાન સામે વળતર મેળવવા ખેડૂતોએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો.સરકારે વિજપોલ કોરીડોરમાં વળતર અંગે સારો અને ખેડૂતલક્ષી નિર્ણય કરવો જ પડશે તેવી સ્પષ્ટ માંગણી આ બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ દોહરાવી હતી. આ રાત્રી સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો એકત્રિત થયા હતા. વાઘપર અને પીલુડી ગામની સભામાં ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે સરકાર દ્વારા આપવામાં આવતા 45 ટકા વળતર સામે તેમને 260 ટકા લેખે વળતર ચૂકવવામાં આવે.
નીતિ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો
ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીનમાંથી પસાર થતી વીજ લાઈનો અને વિજપોલ ઉભા કરવાના કારણે ખેતીની જમીનને વ્યાપક અસર પહોંચે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા વળતર મેળવવા માટે કુલ 24 મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની આ 24 મુદ્દાની માંગણીઓ અત્યંત વ્યાજબી છે અને જમીનના નુકસાન સામે પૂરતું રક્ષણ આપે છે.હાલના તબક્કે સરકાર દ્વારા કોરીડોર વિસ્તારમાં માત્ર 45 ટકા જેટલું જ વળતર આપવામાં આવે છે, જે ખેડૂતોને થતા વાસ્તવિક નુકસાનની સામે બિલકુલ નહિવત છે.આ અન્યાયી નીતિ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
