મોરબી જિલ્લાના ટંકારા લતીપર રોડ પર આવેલી ધર્મજીવન કોટન મિલની ઓફિસમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. મિલની ઓફિસની આડમાં કેટલાક શખ્સો એકઠા થઈને મોટા પાયે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની અચાનક પડેલી રેડના કારણે જુગાર રમતા ઈસમોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

19 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કૂલ 19 શખ્સોને રમોઝ-રમત રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડા પરથી રોકડા રૂપિયા 1,30,000 તેમજ 19 જુગારીઓ પાસે રહેલા 24 નંગ મોબાઈલ ફોન સહિત કૂલ રૂપિયા 3,10,000નો કિંમતી મુદ્દામાલ કબજે કર્યો છે. ટંકારા પોલીસે તમામ 19 આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જુગારધામ ચલાવનારાઓ સામે કાર્યવાહી

કોટન મિલ જેવી વ્યાપારી જગ્યાની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે લાલ આંખ કરી છે. ઝડપાયેલા 19 આરોપીઓની કાયદેસરની ધરપકડ કરીને પોલીસે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોણ સંકળાયેલું છે તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરી છે. ટંકારા પોલીસની આ કડક કાર્યવાહીથી પંથકના જુગારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો