મોરબી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામેથી ખેતીની આડમાં ચાલતું મોટું નશાનું નેટવર્ક ઝડપાયું છે. ખેતરમાં સામાન્ય પાકની જેમ એરંડા (દિવેલા)નું વાવેતર કરીને તેની આડમાં છૂપી રીતે માદક પદાર્થ ગાંજાની ખેતી કરવામાં આવી રહી હોવાનો મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી ખેતરમાંથી લીલાછમ ગાંજાના 364 નંગ છોડ સહિત કુલ 33.050 કિલોગ્રામ જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 16.57 લાખ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર ખેતી કરનાર આરોપી વિપુલ ઉર્ફે રોકો ધીરુભાઈની સ્થળ પરથી જ ધરપકડ કરી હળવદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.
એરંડાના પાક વચ્ચે છૂપાવ્યા હતા ગાંજાના છોડ
મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગને ગુપ્ત બાતમી મળી હતી કે ચિત્રોડી ગામની સીમમાં આવેલા ખેતરમાં એરંડાના મોટા છોડની વચ્ચે છૂપી રીતે નશાકારક ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.પોલીસે ખેતરમાં તપાસ કરતાં એરંડાના પાકની વચ્ચે વ્યવસ્થિત રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના નાના-મોટા ૩૬૪ જેટલા છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા તમામ 364 છોડનું કુલ વજન 33 કિલો 50 ગ્રામ (33.050 kg) થયું હતું, જેની અંદાજિત કિંમત ₹16,57,000 જેટલી થાય છે.ખેતરમાં ગેરકાયદે વાવેતર કરનાર સ્થાનિક શખ્સ વિપુલ ઉર્ફે રોકો ધીરુભાઈને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે.
