મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી ઓનલાઈન ગેમિંગ અને આભાસી જુગારની લતે યુવાનની જિંદગી છીનવી લીધી હોવાનો અત્યંત કરૂણ કિસ્સો સામે આવ્યો છે. હળવદ તાલુકાના ઘણાંદ ગામના 31 વર્ષીય યુવાન ઘનશ્યામ સોલંકીએ ઓનલાઈન ગેમમાં મોટી રકમ હારી જતાં અને તેના લીધે માથે ચડી ગયેલા આર્થિક દેવાના ભારથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સારવાર દરમિયાન યુવાનનું કરૂણ મોત નીપજતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

ઓનલાઈન ગેમમાં પૈસા હાર્યા બાદ ડિપ્રેશનમાં આવી ઝેરી દવા પીધી

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર  ઘણાંદ ગામના રહેવાસી 31 વર્ષીય ઘનશ્યામ સોલંકીને મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાની લત લાગી હતી.શરૂઆતમાં મનોરંજન માટે રમાતી ગેમમાં ધીમે-ધીમે પૈસાની હારજીત શરૂ થઈ હતી, જેમાં યુવાન મોટી રકમ હારી ગયો હતો.રકમ હારી જતાં માથે મોટું આર્થિક દેવું થઈ ગયું હતું. દેવાની ચૂકવણી અને આર્થિક સંકટથી માનસિક તાણમાં આવી ગયેલા યુવાને આખરે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.ઘનશ્યામે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો.

હળવદ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ

બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો,પોલીસે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.યુવાન કઈ એપ્લિકેશન કે ગેમ રમતો હતો, તેના માથે કુલ કેટલું દેણું થયું હતું અને કોઈ નાણાકીય લેણદારો તરફથી તેના પર દબાણ હતું કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.યુવાનના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ અને ટ્રાન્ઝેક્શન રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.ઓનલાઈન ગેમ્સ અને સટ્ટાબાજીના રવાડે ચડીને યુવાનો પોતાના જીવન બરબાદ કરી રહ્યા હોવાના વધતા કિસ્સાઓ વચ્ચે આ ઘટનાએ સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે ચિંતા જગાવી છે.

આ પણ વાંચો: Surat: માતા-પિતા કામમાં વ્યસ્ત હતા ને દીકરી ગટરમાં સમાઈ ગઈ; 20 મિનિટ બાદ મળ્યો બાળકીનો મૃતદેહ