મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે મોડી રાત્રે ગુપ્ત બાતમીના આધારે હળવદ તાલુકાના ચાડધરા ગામ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરી રેતીનું ઉત્ખનન કરી રહેલા માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

બે હિટાચી, બે ડમ્પર અને એક લોડર મશીન કબ્જે કરાયા 

રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે સ્થળ પરથી ગેરકાયદે ખનન અને વહન પ્રવૃત્તિમાં રોકાયેલા કુલ પાંચ હેવી વાહનોને ઝડપી પાડ્યા હતા. જેમાં ૨ ડમ્પર, ૨ હિટાચી અને ૧ લોડર મશીનનો સમાવેશ થાય છે. ખાણ ખનિજ વિભાગે લાખો રૂપિયાની કિંમતના આ વાહનો અને મશીનરીને ઘટનાસ્થળેથી જપ્ત કરી કાયદેસરની જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.

જપ્ત કરાયેલા તમામ વાહનો હળવદ પોલીસ હવાલે

દરોડાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે જપ્ત કરાયેલા તમામ પાંચેય વાહનોને આગળની કાનૂની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા દંડકીય આકારણી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે પાડવામાં આવેલા આ ત્રાટક દરોડાને પગલે હળવદ પંથકના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફાળચ વ્યાપી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો