મોરબી જિલ્લાના જેતપર મુકામે વળતરની માંગ સાથે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો આખરે અંત આવ્યો છે. ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના પારણા કરાવતા પૂર્વે આંદોલન છાવણી ખાતે એક વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચાલુ વરસાદે પણ આશરે બે હજાર જેટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને એકતાનું પ્રદર્શન કર્યું હતું.
સંતો-મહંતો અને દીકરીઓના હસ્તે કરાશે પારણા
લાંબા સમયથી ન્યાયની લડત લડી રહેલા અન્નદાતાઓને આદરપૂર્વક પારણા કરાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આંદોલનકારી ખેડૂતોને સ્થાનિક સંતો-મહંતો અને સમાજની દીકરીઓના પવિત્ર હસ્તે મોં મીઠું કરાવીને પારણા કરાવવામાં આવશે, જેની સાથે જ આ 19 દિવસ લાંબી લડતનો બીજો તબક્કો સત્તાવાર રીતે પૂરો થશે. જોકે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વર્તમાન પરિપત્ર મુજબનું વળતર ખેડૂતોને બિલકુલ મંજૂર નથી.
