મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકમાંથી દારૂ અને બિયરનો પ્રચંડ જથ્થો ઝડપી પાડવામાં સરહદી રેન્જ ભુજ (કચ્છ) ની પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. બુટલેગરો દ્વારા પોલીસની નજર ચૂકવવા માટે ટ્રકની પાછળ તાલપત્રી ઢાંકીને તેની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયરનું મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. ગુપ્ત બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે વોચ ગોઠવીને માળિયા નેશનલ હાઈવે પર આવેલી ભીમસર ચોકડી પાસેથી આ ટ્રકને આંતરી લીધો હતો.
કચ્છ તરફ લઈ જવાતો હતો દારૂનો જથ્થો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ અને બિયરથી ભરેલો આ ટ્રક બનાસકાંઠા સરહદેથી રવાના થઈને મોરબી-માળિયા હાઈવે થઈ કચ્છ તરફ જઈ રહ્યો હતો. સરહદી રેન્જની ટીમે ટ્રકની તલાશી લેતાં તાલપત્રી નીચે સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.24 લાખથી વધુની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને રૂ.10 લાખની કિંમતનો ટ્રક મળીને એકંદર રૂપિયા 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
