મોરબી જિલ્લાના હાજનારી ગામે ગઈકાલે સાંજના સમયે દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગામની સીમમાં લાંબા સમયથી બેફામ રીતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેને બંધ કરાવવા માટે સ્થાનિકોએ પોલીસ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. છતાં પણ દારૂનું વેચાણ બંધ ન થતાં આખરે આક્રોશિત ગ્રામજનોએ એકઠા થઈને દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’ પાડી હતી.
સીમમાં દારૂ વેચતો શખ્સ રંગેહાથ ઝડપાયો
જનતા રેડ દરમિયાન ગામની સીમમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહેલા એક શખ્સને લોકોએ સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોએ આ શખ્સને પકડી રાખ્યો હતો અને તુરંત જ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરીને ઝડપાયેલા બૂટલેગરને પોલીસ કાફલાને સુપ્રત કરી દીધો હતો.
