મોરબી જિલ્લાના હળવદ શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન શાંતિનો માહોલ ડહોળવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે જ બાઇક અને કાર સામસામે આવી જતાં સામાન્ય અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી અને જોતજોતામાં મામલો ગંભીર મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘટનાને પગલે નવરાત્રીના પવિત્ર તહેવાર ટાણે સ્થાનિક રહીશો અને ખેલૈયાઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તંત્ર દ્વારા ત્વરિત અને આકરી કાર્યવાહી કરવામાં આવી છે. હળવદ પોલીસે DySP, LCB PI તેમજ પોલીસ જવાનોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને મુખ્ય આરોપીનું કડક સુરક્ષા વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગુનેગારોમાં કાયદાનો ભય રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હેતુથી પોલીસે આ વિસ્તારમાં આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું પુનરાવર્તન (રીકન્સ્ટ્રક્શન) કર્યું હતું.
