મોરબી અમરેલી રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા પાસે વિદેશી દારૂનું મોટું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ ત્રાટકી હતી. દારૂનો વિશાળ જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા માટે બુટલેગરોએ અનોખી તરકીબ અપનાવી હતી. ટ્રકમાં બટાકાની બોરીઓની આડમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. આ આયોજિત નેટવર્ક પર પોલીસે દરોડો પાડીને બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું અને કટિંગ સમયે જ રેડ પાડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

કુલ 81.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી રૂ.41.10 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો તથા રૂ.5.76 લાખની કિંમતની બિયરની બોટલો મળીને કુલ રૂ.46.86 લાખનો દારૂ-બિયરનો અઢળક જથ્થો કબ્જે કર્યો છે. આ ઉપરાંત, દારૂની હેરફેર અને સપ્લાય માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો જેવા કે એક ટ્રક, ત્રણ ટ્રેક્ટર અને ચાર મોટરસાઇકલ પણ પોલીસે જપ્ત કર્યા છે. દારૂ, બિયર અને તમામ વાહનો મળીને પોલીસે કુલ રૂ.81,11,000થી વધુનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB action in Morbi

આરોપી સંદીપ અગેચણિયાની ધરપકડ

દરોડા દરમિયાન પોલીસે મોરબીના સ્થળ પરથી આરોપી સંદીપ અગેચણિયાની અટકાયત કરીને તેની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો તથા દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ રેકેટમાં જોડાયેલા અન્ય નામો પણ ખૂલે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો