મોરબી મહાનગરપાલિકામાં સામે આવેલા ચર્ચાસ્પદ બોગસ બિલ કૌભાંડ સંદર્ભે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મનપાના કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કામોની સમીક્ષા સાથે બોગસ બિલ કૌભાંડ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી અને મેયરે સ્પષ્ટ જાહેરાત કરી છે કે ગેરરીતિમાં સંડોવાયેલા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચલાવી સીધા કાનૂની પગલાં ભરીને ફોજદારી કેસ નોંધવામાં આવશે.
સમગ્ર તપાસ માટે ખાસ કમિટીની કરાઈ રચના
રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે બોગસ બિલ કૌભાંડની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જો 700ના બદલે 1700 કામો દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેની એક-એક વિગત તપાસવામાં આવશે. મંત્રીએ મનપાના વહીવટમાં સફાઈ આપતા ઉમેર્યું હતું કે, "અમારા તમામ 52 કોર્પોરેટરો સંપૂર્ણપણે ક્લિન છે અને હું પોતે મંત્રી તરીકે પણ ક્લિન છું." તેથી કોઈ અધિકારી કે કર્મચારી ગેરરીતિમાં સામેલ હશે તો તેની સામે સખત કાર્યવાહી નક્કી છે.

