મોરબીના હળવદ તાલુકાના રાણેકપર ગામે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂની અદાવતમાં ઉગ્ર અને હિંસક જ્ઞાતિ પ્રવાહી અથડામણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાણેકપર ગામના મંદિર નજીક ફેન્સિંગ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં બંને પક્ષે લાકડીઓ અને ધારદાર હથિયારો ઉડ્યા હતા. આ હિંસક હુમલાની ઘટનામાં એક જ પરિવારના કુલ 8 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
15 લોકો સામે હુમલાનો આક્ષેપ
આ ઘટના અંગે ભોગ બનનાર પક્ષ દ્વારા સત્તાધારી પક્ષના હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો અને તેમના પરિજનોનો સીધો આક્ષેપ છે કે રાણેકપર સીટના ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્ય શિલ્પાબેન અનિલભાઈ તેમજ તેમના પતિ અનિલભાઈ સહિત અંદાજે 15થી વધુ લોકોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ હુમલો કર્યો હતો. રાજકીય વગ અને સત્તાના નશામાં ચૂર થઈને સભ્યના પરિવાર દ્વારા બીજા પરિવાર પર લાકડીઓ અને પાઇપો વડે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવાયું છે.
