મોરબી શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી એસઓજી (SOG) અને ફૂડ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન બે અલગ-અલગ જનરલ સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત હોવાની શંકા ધરાવતું ઘી મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
બે દુકાનોમાંથી કુલ 40 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બે વેપારીઓની દુકાનોમાંથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો, જેમાં આબિદ એચ. અંદાણી જનરલ સ્ટોર નામની દુકાનમાંથી 15 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પાયલ સિંગ સેન્ટર નામની દુકાનમાંથી 25 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળો મળીને કુલ 40 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો એસઓજી અને ફૂડ વિભાગની ટીમે કબજે કર્યો હતો.
