ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા કમળા ખાતે સોમીલ ઓનર્સ એસોસિએશન દ્વારા 27મા વન મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી અને સામાજિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ સંચાલન કરી રહેલા એન્કર દ્વારા નડિયાદના સિનિયર અને વર્તમાન ધારાસભ્ય પંકજ દેસાઈને ભૂલથી 'માજી ધારાસભ્ય' તરીકે સંબોધવામાં આવ્યા હતા. પોતાની લોકપ્રિયતા અને સક્રિયતા માટે જાણીતા ધારાસભ્ય પંકજ દેસાઈએ આ સાંભળતા જ મંચ પરથી માઈક હાથમાં લઈને એન્કરને અત્યંત રસપ્રદ અને સણસણતો વળતો જવાબ આપ્યો હતો જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એન્કરે ધારાસભ્ય પંકજ દેસાઈને 'માજી' કહ્યા

એન્કરની ભૂલ સુધારતા અને પોતાની ક્ષમતાનો પરચો આપતા ધારાસભ્ય પંકજ દેસાઈએ મંચ પરથી ગર્જના કરી હતી કે, "હું નડિયાદના વિકાસ માટે હજુ પણ મેદાનમાં અડીખમ ઊભો છું. આજે પણ મારી અંદર 22 વર્ષના નવયુવાન છોકરાને પણ શરમ આવી જાય તેવો અદભુત ઉત્સાહ છે અને હું એ રીતે જ જનતા વચ્ચે દોડું છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ દિવસના 24 કલાકમાંથી 18 કલાકથી પણ વધુ સમય પ્રજાના કામો માટે સખત મહેનત કરે છે અને લોકસેવામાં સતત સક્રિય રહે છે.

ધારાસભ્ય પંકજ દેસાઈએ મંચ પરથી આપ્યો જવાબ

પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈપણ સામાન્ય વ્યક્તિ ક્યારેય મારા ઘરેથી નિરાશ થઈને ખાલી હાથે પાછો જતો નથી. લોકો જે પણ આશા અને અપેક્ષા લઈને મારી પાસે આવે છે, તેને પૂર્ણ કરવાની પવિત્ર જવાબદારી લઈને હું હંમેશા ચાલતો હોઉં છું. પ્રજા સાથેના અંગત જોડાણ અંગે તેમણે કહ્યું કે, માત્ર કોઈ એક સામાન્ય નાગરિકે પણ જો મને ફોન કર્યો હોય, તો તે ફોનનો સામેથી પરત રિપ્લાય આપવાની મારી વર્ષો જૂની ટેવ આજે પણ અકબંધ છે અને આ જ લોકપ્રિયતાના કારણે હું આટલો લાંબો રાજકીય પંથ કાપી શક્યો છું અને હજુ પણ આગળ ચાલવાનો છું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો