નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના અધિકારોને લઈને શરૂ થયેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાગબારાના 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતોના ધરણાંનો આજે ત્રીજો દિવસ છે. પોતાના હક અને ન્યાય માટે આદિવાસીઓ આખી રાત પોતાના પરિવાર અને મુગ્ગા પશુઓ સાથે ધરણાં સ્થળ પર જ રોકાયા હતા. ભીષણ ગરમી અને ચોમાસાના વાતાવરણ વચ્ચે પશુઓને પીવાનું પાણી પણ ન મળતાં તેમની હાલત કફોડી બની છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી જમીનનો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન જારી રહેશે.

સાંસદે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

બીજી તરફ, આ સળગતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગઈકાલે રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરીને સાગબારાના 12 ગામોના ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરી રહેલા જમીનના ખેડાણ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે રાજ્યના વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ વિસ્તારના ખેડૂતોના હક માટે ઉમરપાડા વનસમિતિ અને પંચાયતના દાખલાઓ મહત્વના પુરવાર થાય તેમ છે.

વહીવટી ઉકેલ ન આવતાં આંદોલનકારીઓમાં અસંતોષ

મુખ્યમંત્રી અને સાંસદ વચ્ચેની ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ પણ સ્થળ પર કોઈ સત્તાવાર નિવારણ કે ખાતરી ન મળતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત છે. જંગલ ખાતાની કથિત નીતિઓ સામે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ અને જમીનના હક માટે અડગ રહ્યો છે. જ્યાં સુધી કાગળ પર નક્કર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પશુઓ સાથે આ જ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો આદિવાસી ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો