નર્મદા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ-મકાન માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે વરસેલા મુસળધાર વરસાદમાં પૂરનું ભરપૂર પાણી આવી જતાં ઝરીયા-તણખલા રોડ પર આવેલું ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વરસાદી પાણીના પ્રવાહને કારણે આ રોડની વચ્ચેનો આખો ભાગ તૂટીને અલગ થઈ ગયો છે. જેનાથી રસ્તા પર ભયાનક એક મોટો ખાડો પડી ગયો છે.
રેલિંગો પણ ઉખડી ગઈ, વાહનચાલકો-ગામલોકો મુશ્કેલીમાં
પાણીના ધસમસતા પ્રવાહના કારણે ડાયવર્ઝનની બાજુમાં લગાવેલી સેફ્ટી રેલિંગો પણ મુળમાંથી ઉખડીને વહી ગઈ છે. રસ્તો વચ્ચેથી ધસી જતાં અને મોટો ખાડો પડી જતાં કેવડિયાથી તણખલા તરફ જતાં તેમજ આસપાસના ગામલોકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. વાહનવ્યવહાર ઠપ થઈ જતાં નોકરિયાતો, ખેડૂતો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
