નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમમાં પાણીની આવક વધતાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાવાના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. અચાનક પાણી ભરાઈ જવાથી નદીકિનારાના નીચાણવાળા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કેળાં, પપૈયાં અને કપાસનો પાક ધોવાયા

ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં નદીકાંઠાના વિસ્તારોમાં વાવેતર કરેલા કેળાં, પપૈયાં અને કપાસ સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પાણીના સખત પ્રવાહ અને ભરાવાના કારણે પાક નિષ્ફળ જવાની આશંકા ઊભી થઈ છે, જેના લીધે સ્થાનિક ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

વધુ વરસાદ પડે તો નુકસાની વધવાની ભીતિ

હવામાન વિભાગની તીવ્ર વરસાદની આગાહી વચ્ચે જો હજુ પણ ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો કરજણ ડેમમાંથી વધુ પ્રમાણમાં પાણી છોડવું પડી શકે છે. જો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે તો ખેતરોમાં પાણીનું સ્તર વધશે અને પાકને થનારું નુકસાન હજુ પણ વધી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. નુકસાનીના આંકડા વધવાની શંકા વચ્ચે પીડિત ખેડૂતો દ્વારા યોગ્ય સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો