નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નવસારી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે જિલ્લામાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા ચીખલી અને ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે બીલીમોરા શહેર તેમજ પૂરના પાણીથી પ્રભાવિત અંબિકા નદીની વર્તમાન સ્થિતિ અને જળસ્તરની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
પૂર પ્રભાવિત લોકો સાથે સીધો સંવાદ, વેદના સાંભળી
પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પૂરથી અસરગ્રસ્ત થયેલા સ્થાનિક નાગરિકો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે પાણી ભરાવાથી લોકોને પડેલી મુશ્કેલીઓ અને નુકસાની અંગે વિગતો મેળવીને તેમની વેદના સાંભળી હતી. તેમણે અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી અને સરકાર તથા સંગઠન તરફથી તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
