આગામી 8 મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ અને આયોજનની સમિક્ષા કરવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી ખાતે પહોંચ્યા હતા.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે

વડાપ્રધાનના આગમનને યાદગાર બનાવવા અને સમગ્ર જિલ્લાને સુઘડ બનાવવાના હેતુથી કાર્યક્રમ પૂર્વે સમગ્ર નવસારી જિલ્લામાં એક સપ્તાહ સુધી વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી બતાવીને આ જિલ્લાવ્યાપી સ્વચ્છતા અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશનના વિશેષ સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે.

ભવ્ય સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરરોજ જિલ્લાના 50 ગામોને કવર કરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. એક સપ્તાહના સમયગાળા દરમિયાન નવસારીના અંદાજે 400 જેટલા ગામોને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવવાનું આયોજન છે. વડાપ્રધાનના કાર્યક્રમ નિમિત્તે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે સ્થાનિક સંગઠનો અને ગ્રામજનો પણ આ ઝુંબેશમાં જોડાયા છે.

આ પણ વાંચો: Surat: શેરબજારમાં રોકાણના નામે અડાજણના એન્જિનિયર સાથે રૂ. 13.10 લાખની ઠગાઈ