તાજેતરમાં ભારે વરસાદને કારણે આવેલા વિનાશક પૂરે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ પણ 14 જેટલા ગામોમાં થયેલા વ્યાપક નુકસાનને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે.પૂરના કાયમી ઉકેલ માટે ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના તમામ 14 ગામોના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને મોરચો માંડ્યો હતો.

ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાની માગ

સ્થાનિક ગ્રામજનોનો સણસણતો આરોપ છે કે કાંઠા વિસ્તારમાં આવેલ મેંધર ભાટ ગામના ઝીંગા તળાવો આ વિનાશક પૂર પાછળનું મુખ્ય જવાબદાર પરિબળ છે. ગેરકાયદેસર ઝીંગા તળાવોના કારણે કુદરતી પાણીના વહણમાં મોટો અવરોધ ઊભો થયો હતો જેના પરિણામે પૂરના પાણી ગામો તરફ ફંટાયા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.રોષે ભરાયેલા ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આ ગેરકાયદેસર ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાની ઉગ્ર માંગણી કરી છે. આ ઉપરાંત વિસ્તારમાં નિર્માણાધીન કોસ્ટલ હાઈવે પણ ભવિષ્ય માટે મોટો ભય સાબિત થઈ રહ્યો હોવાનું લોકોનું માનવું છે.ગ્રામજનોએ ભીતિ દર્શાવી છે કે જો કોસ્ટલ હાઈવેની વર્તમાન ડિઝાઈન મુજબ જ કામ ચાલુ રહેશે તો આગામી સમયમાં પણ આ તમામ ગામો કાયમ માટે ડૂબાણમાં જશે.

જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું

આ સમસ્યાના કાયમી નિવારણ માટે ગ્રામજનોએ હાઈવેની વર્તમાન કામગીરી તુરંત સ્થગિત કરી પાણીના સરાહરી નિકાલ માટે રોડને બદલે ઓવરહેડ હાઈવે બનાવવાની માંગ કરી છે. આ તમામ પડતર પ્રશ્નો અને આક્રોશને લઈને 14 ગામના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર કાંઠા વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટરે મામલાની ગંભીરતા સમજીને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા