દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અત્યંત આક્રમક બન્યું છે, જેના કારણે નવસારી જિલ્લામાં વહેલી સવારથી આકાશમાંથી આફત વરસી રહી છે. કાળાડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા તોફાની વરસાદે માત્ર ચાર કલાકમાં આખા જિલ્લાને પાણી-પાણી કરી દીધું છે. સત્તાવાર આંકડા મુજબ, ટૂંકા ગાળામાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં નવસારી અને આસપાસના તાલુકાઓના કોઝવે અને સ્ટેટ હાઇવે ધોવાઈ ગયા છે અથવા પાણીની નીચે ગરકાવ થઈ ગયા છે.

નવસારી જિલ્લામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ

https://twitter.com/sandeshnews/status/2072924834141753581

નેશનલ હાઇવે 48 પર પાણી ભરાતા વાહનો અટવાયા

સૌથી ગંભીર પરિસ્થિતિ મુંબઈ-અમદાવાદને જોડતા નેશનલ હાઈવે 48 (NH-48) પર ચીખલીના થાલા ગામ નજીક જોવા મળી રહી છે. અહીં હાઇવેના મુખ્ય માર્ગો સહિત કનેક્ટિંગ સર્વિસ રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ આગોતરી વ્યવસ્થા ન કરવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે કેટલાય મોટરસાયકલ અને કાર ચાલકોના વાહનો અધવચ્ચે બંધ પડી જતાં હાઇવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

14 માર્ગો બંધ, વહીવટી તંત્ર એક્શનમાં

બીજી તરફ પૂરના ભયને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ તુરંત જ કામે લાગી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લાના અલગ-અલગ તાલુકાના કુલ 14 માર્ગો પર બેરિકેડ્સ લગાવી વાહનોની અવરજવર રોકી દેવાઈ છે. જેમાં નવસારી પંથકના સૌથી વધુ 8 રસ્તા, જલાલપોરના 3, ગણદેવીના 2 અને વાંસદાના 1 માર્ગનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ડેમ કે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો તરફ ન જવા સખત અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Dang Rain: આહવામાં 3 ઇંચ વરસાદ, ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ