નવસારી જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ સતત બીજા દિવસે પણ યથાવત રહેતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકાર અને તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાં અને જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે લોકમાતા પૂર્ણા અને કાવેરી નદીઓમાં ભયાનક પૂર આવ્યા છે.

પૂર્ણા અને કાવેરી નદીઓમાં ભયાનક પૂર

https://www.instagram.com/reel/DbIBK1DDNMX/?utm_source=ig_web_button_share_sheet

શહેર ચોતરફ પૂરના પાણીથી ઘેરાઈ ગયું

પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતાં નવસારી શહેર ચોતરફ પૂરના પાણીથી ઘેરાઈ ગયું છે. ખાસ કરીને નવસારી શહેરનો સગન વસ્તી ધરાવતો વિજલપોર વિસ્તાર સંપૂર્ણપણે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિજલપોરના મોટાભાગના ઘરો, દુકાનો અને સોસાયટીઓમાં ૨ થી ૪ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોના ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો પોતાના ઘરોમાંથી પાણી ખાલી કરવા અને કિંમતી સામાન બચાવવા માટે મથામણ કરી રહ્યા છે.

સાપુતારા સ્ટેટ હાઇવે બંધ 

કાવેરી નદીમાં આવેલા રૌદ્ર પૂરના કારણે વાહનવ્યવહાર પર પણ માતબાર અસર પડી છે. ચીખલીથી વાંસદા થઈને પ્રવાસી ધામ સાપુતારાને જોડતો સ્ટેટ હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. કાવેરી નદી પર આવેલા બ્રિજ પરથી પૂરના ધસમસતા પાણી વહેવા લાગતાં સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા બેરિકેટીંગ કરીને હાઇવે બંધ કરાયો છે. હાઇવે બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

પોલીસનું રેસ્ક્યૂ અને તંત્રની એડવાઇઝરી

જિલ્લામાં વણસતી સ્થિતિ વચ્ચે નવસારી પોલીસ જવાનો સતત મેદાને છે. પોલીસે અગાઉ ઊંડાચ ગામેથી કમરબૂડ પાણીમાંથી માસૂમ બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું, જ્યારે ચીખલીના નદી મોહલ્લામાં કાવેરીના પૂરમાં ફસાયેલા 15 જેટલા લોકોને દોરડાં બાંધીને સલામત બહાર કાઢ્યા છે. પૂરના પ્રવાહને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી, નાળા કે પૂરના પાણી નજીક ન જવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને તાત્કાલિક સલામત આશ્રયસ્થાનોમાં ખસી જવા કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: જિલ્લામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, ખેતરોમાં ઊભા પાકને મળ્યું નવું જીવન