નવસારી શહેરના ગીચ વિસ્તાર ગણાતા ગોલવાડમાં આવેલી એક ગિફ્ટ શોપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને જાનહાનિ અટકી
ઘટના અંગે નવસારી ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયર ફાઇટરોએ ત્વરિત કામગીરી હાથ ધરીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગની ટીમની ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો, જેના કારણે આસપાસની અન્ય દુકાનો આગની ઝપેટમાં આવતા બચી ગઈ હતી.

