નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંગાડ ગામે મનરેગા (MGNREGA) યોજનામાં આચરવામાં આવેલા મસમોટા કૌભાંડમાં તંત્ર દ્વારા લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં સીધી સંડોવણી સામે આવ્યા બાદ સિંગાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉમા પટેલને હોદ્દા પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

બરતરફ સરપંચ પાસેથી રૂપિયા 8.32 લાખ રિકવર કરવાનો આદેશ

વાંસદા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈને બરતરફ સરપંચ પાસેથી રૂપિયા 8.32 લાખ રિકવર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સરપંચ બરતરફ થતાં સિંગાડ ગ્રામ પંચાયતનો નવો ચાર્જ ઉપસરપંચ ઉષા પટેલને સોંપવામાં આવ્યો છે. 

નક્કી સમયમાં નાણાં નહીં ભરાય તો કાર્યવાહી

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં આ નાણાં જમા કરાવવામાં નહીં આવે તો તેમની સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સમગ્ર વાંસદા તાલુકામાં ભારે ખળભળાટ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ સરકારી ગ્રાન્ટમાં આચરાયેલા આ કૌભાંડથી સમગ્ર વાંસદા તાલુકામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સરપંચ સામે લેવાયેલા આ કડક પગલાં બાદ સરકારી નાણાંમાં ગેરરીતિ આચરતા અન્ય જવાબદારોમાં પણ ભારે ફાળ પડી છે. 

 આ પણ વાંચો  :    Live Bypoll Result 2026: માંજલપુર બેઠક પર ભાજપના સતીષ પટેલ કુલ 19368 મત થી આગળ