ગુજરાતના યુવાનોમાં વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને લેભાગુ એજન્ટો દ્વારા છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે. નવસારીના જલાલપોરના સુલતાનપુરનો યુવાન વધુ કમાણી કરવાની આશાએ આર્મેનિયામાં ફસાયો છે. આ યુવકે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતો એક વીડિયો વાયરલ કરીને ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે વતન વાપસી માટે મદદની ગુહાર લગાવી છે.


સુરતના એજન્ટની માયાજાળ અને વિદેશમાં જઈને હાથ અધ્ધર

નવસારીના આ યુવકને સુરતના એક એજન્ટે આર્મેનિયામાં દર મહિને રૂ.1 લાખની આકર્ષક સેલેરી વાળી પ્રતિષ્ઠિત નોકરી અપાવવાની મોટી-મોટી લાલચો આપી હતી. એજન્ટની વાતોમાં આવીને યુવકે લાખો રૂપિયા ખર્ચીને વિદેશ પ્રયાણ કર્યું હતું. જો કે, આર્મેનિયા પહોંચ્યા બાદ વાસ્તવિકતા તદ્દન અલગ નીકળી હતી. એજન્ટે વચન આપ્યા મુજબની કોઈ નોકરી ત્યાં ઉપલબ્ધ નહોતી અને યુવક ત્યાં પહોંચતાની સાથે જ એજન્ટે ફોન બંધ કરીને પોતાના હાથ અધ્ધર કરી લીધા હતા. નોકરી ન મળવાના કારણે આ યુવકે ત્યાં પેટનો ખાડો પૂરવા માટે નાછૂટકે છૂટક મજૂરી કામ કરવું પડી રહ્યું છે.

કફોડી આર્થિક સ્થિતિ વચ્ચે હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ પાસે આશા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અપીલ વીડિયોમાં યુવકે રડમસ અવાજે જણાવ્યું છે કે, હાલ તેની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે અને તેની પાસે રહેવા-ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. એટલું જ નહીં, તેની સાથે નવસારી અને દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક યુવાનો પણ આ જ રીતે એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનીને આર્મેનિયામાં અટવાયા હોવાની પ્રબળ સંભાવના છે. યુવકે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને સંબોધીને તાત્કાલિક મદદ કરવા અને ડિપ્લોમેટિક ચેનલ દ્વારા તેમને ભારત પરત લાવવા માટે ભાવુક વિનંતી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: