બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં વન્યજીવ માનવીય વસ્તીમાં ઘૂસી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. પાલનપુરના હસનપુર અને ખરોડપુર ગામની સીમમાં એક જંગલી રીંછ અચાનક ઘૂસી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગામની સીમમાં આંટાફેરા કરી રહેલા આ આક્રમક રીંછે ત્યાંથી પસાર થતા કે ખેતરમાં કામ કરતા આશરે 6થી 7 જેટલા સ્થાનિક લોકો પર અચાનક હુમલો કરી દીધો હતો. રીંછના અચાનક થયેલા આ હુમલાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
રીંછના નખ અને દાંતના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સળંગ સાત લોકો પર હુમલાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, જેના કારણે લોકો પોતાના ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે.
