બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દલવાડા ગામેથી એક અત્યંત ચોંકાવનારો અને સગા સંબંધોને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સામાજિક વ્યવહાર જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બોલાચાલી દરમિયાન નાના ભાઈએ આવેશમાં આવીને પોતાના જ સગા મોટાભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટનાને પગલે સમગ્ર દલવાડા ગામમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ હતી.

ગઢ પોલીસે ગુનામાં વાપરાયેલું હથિયાર કર્યું કબ્જે

હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસે વિગતવાર તપાસ હાથ ધરીને ટૂંક સમયમાં જ આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભાઈ હિરા પટેલને ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ આખા બનાવનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, તેમજ હત્યાના ગુનામાં વાપરવામાં આવેલું તીક્ષ્ણ હથિયાર પણ સફળતાપૂર્વક કબ્જે કર્યું હતું.

હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને જેલહવાલે કરાયો

પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરીને સમગ્ર મામલે આરોપી હિરા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. નજીવી બોલાચાલીમાં સગા ભાઈની હત્યાની આ ઘટનાએ સામાજિક સંબંધો અને પરિવારમાં સરજાતા આવેશ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, ત્યારે ગઢ પોલીસે આગળની કાનૂની તપાસ તેજ બનાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો