બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાલનપુરની જાણીતી માવજત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. હોસ્પિટલના કેન્ટીન અને બીજા માળ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકો દ્વારા દર્દીઓના જીવ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

બીજા માળ અને કેન્ટીન તરફ આગનું વિકરાળ સ્વરૂપ

પ્રાપ્ત વિગતો અનુસાર, પાલનપુરની માવજત હોસ્પિટલના ધાબા કે કેન્ટીન વિસ્તારથી શરૂ થયેલી આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બીજા માળ તરફ લપેટમાં લઈ લીધું હતું. હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર હેઠળ દાખલ હતા, તે જ સમયે અચાનક ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઓક્સિજનના બાટલા સાથે દર્દીઓને બહાર ખસેડાયા

આપાતકાલીન પરિસ્થિતિ સર્જાતા હોસ્પિટલ પ્રશાસન અને તબીબી સ્ટાફે ભારે ખંત દાખવીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ICU અને વૉર્ડમાં સારવાર લઈ રહેલા અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને તેમના ઓક્સિજનના બાટલા સાથે જ સલામત સ્થળે અને હોસ્પિટલની બહાર ખુલ્લા વાતાવરણમાં ખસેડવામાં આવ્યા હતા. સમયસૂચકતા વાપરીને દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવાને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો