ભાવનગર અને પડોશી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓમાંથી રોકડ રકમની ચોરી કરતી શાતિર ગેંગનો પાલીતાણા રૂરલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ચોરી કરવાની અનોખી અને મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.આરોપીઓ કોઈ પણ વિશિષ્ટ કે નિર્જન વિસ્તારમાં આવેલા મંદિરને નિશાન બનાવવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા. ગૂગલ મેપ પર લોકેશન સર્ચ કરીને જે મંદિરો ગામથી થોડા અંતરે કે અવાવરૂ જગ્યાએ હોય તેને પસંદ કરી રાત્રિના સમયે દાનપેટીઓ તોડીને ચોરીને અંજામ આપતા હતા.
ખાખરીયા ગામના લોકોની સતર્કતાથી ખેલ ખતમ
પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામના ગ્રામજનોએ શંકાસ્પદ હિલચાલ જોઈને ભારે જાગૃતિ દાખવી હતી. સ્થાનિકોની સતર્કતાના કારણે પાલીતાણા રૂરલ પોલીસને તુરંત જ અટકાયત માટે લોકેશન મળ્યું હતું અને પોલીસે મજબૂત કોર્ડન કરી બંને તસ્કરોને સ્થળ પર જ દબોચી લીધા હતા.પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતાં પકડાયેલા આરોપીઓની ઓળખ 1 દીદાર સતારભાઈ મકવાણા અને ૨. નરેશ ઉર્ફે ભોલો ડાયાભાઈ વાઘેલા તરીકે થઈ છે.
