પંચમહાલ જિલ્લાના હાલોલ-બોડેલી હાઈવે પર એક અત્યંત કરૂણ અને ભયાનક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બોડેલી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ભારત પેટ્રોલિયમના એક ટેન્કર અને અનાજ ભરેલી ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલા ટેન્કરે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના સંઘના યાત્રાળુઓને લઈને જઈ રહેલી ટાટા એસી ગાડીને પણ જોરદાર અડફેટે લીધી હતી.
પૂરપાટ ઝડપે આવતું ટેન્કર હોટેલમાં ઘૂસી ગયું
ટાટા એસીને ટક્કર માર્યા બાદ બેફામ ટેન્કર હાઈવેની બાજુમાં આવેલી એક હોટેલમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ દિલધડક ઘટનામાં હોટેલમાં હાજર હોટેલ માલિક અને તેમની 5 વર્ષની અબુધ પુત્રીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પિતા અને પુત્રી બંનેનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

