પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે એક ગરીબ માલધારી પરિવાર પર મોટો આફતનો પહાડ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે વરસાદની વચ્ચે અચાનક આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.ગામના સીમાડે આવેલા ઘેટાંના વાડા પર આ વીજળી પડવાને કારણે વાડામાં પૂરી રાખવામાં આવેલા કુલ 35 ઘેટાંના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે પશુપાલક પરિવારો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.
રાત્રિના સમયે ગાજવીજ સાથે ત્રાટકી આકાશી વીજળી
સાંતલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ દરમિયાન વૌવા ગામના માલધારીઓ દ્વારા તેમના ઘેટાંઓને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા વાડા પર અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાનો ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.વીજળીના પ્રચંડ આંચકા અને કરંટને કારણે વાડામાં રહેલા મૂંગા પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી.
બે માલધારીઓના અસંખ્ય ઘેટાં હોમાયા
આ આકાશી આફતમાં બે અલગ-અલગ માલધારી પરિવારોએ પોતાના મૂડીસમાન પશુધનને ગુમાવવું પડ્યું છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે,રબારી વેલાભાઈ સોમાભાઈના વાડામાં રહેલા 21 ઘેટાંના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે,જ્યારે રબારી વલ્લભભાઈ કાજળભાઈના 14 ઘેટાં પણ આ વીજળીની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે.એક જ રાત્રે કુલ 35 ઘેટાં મોતને ભેટતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે.ઘેટાં જ આ પરિવારોની આજીવિકાનો મુખ્ય આશરો હોવાથી તેઓ બેહાલ થઈ ગયા છે.
તંત્ર દ્વારા પંચનામું અને સરકારી સહાયની ઉગ્ર માગ
ઘટનાની જાણ થતાં જ વૌવા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ત્વરિતાગતિએ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક તેમજ લેખિતમાં આ દુર્ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી હતી.મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પશુપાલન વિભાગના ડોક્ટરોની વિશેષ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મૃત પશુઓનું પેનલ પીએમ અને પંચનામું કરવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે.ગરીબ માલધારી પરિવારોની આજીવિકાનો એકમાત્ર આધાર છીનવાઈ જવાથી ગ્રામજનોમાં ભારે શોક અને વેદના જોવા મળી રહી છે.