પાટણ જિલ્લામાં હારિજના હાંસાપુર ગામમાં માતાજીની રમેલ યોજાઈ હતી. આ રમેલ દરમિયાન અનેક લોકો માતાજીના દર્શન માટે હાજર હતાં. ત્યાં એક દુઃખદ ઘટના બની હતી. રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં એક ભુવાજી ધૂણી રહ્યા હતાં. આ દરમિયાન તેમની પર કેટલાક લોકો ફૂલો ઉછાળતા હતાં. ત્યાં જ ભુવાજી અચાનક ઢળી પડ્યા હતાં. ભુવાજીનું રમેલ દરમિયાન મોત થતાં લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભુવાજી અમૃતલાલ બારોટનું મોત નીપજ્યું
પાટણ જિલ્લાના હાંસાપુર વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં ધાર્મિક પ્રસંગ નિમિત્તે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમેલના ધાર્મિક કાર્યક્રમમાં આસપાસના લોકો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.તે સમયે અડિયા ગામના ભુવાજી અમૃતલાલ બારોટ પણ આ રમેલમાં ઉપસ્થિત હતા અને તેઓ વિધિ મુજબ ધુણી રહ્યા હતા.રમેલમાં ધાર્મિક માહોલ વચ્ચે ભુવાજી સતત ધુણતા ધુણતા અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા.ત્યાં હાજર લોકો કંઈ સમજે તે પહેલાં જ ક્ષણભરમાં આ દુઃખદ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. રમેલના કાર્યક્રમમાં ધુણતા ધુણતા અચાનક ઢળી પડ્યા બાદ ભુવાજી અમૃતલાલ બારોટનું મોત નીપજ્યું હતું.
