અમદાવાદના સીબીડી (CBD) મોલ ખાતેથી ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ થવાની હાઈપ્રોફાઈલ ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી બનાવને પગલે કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.
સ્થાનિકો સાથે ઝપાઝપી અને PSI પર હુમલો
બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે 50 કરતા વધુ લોકોનું ટોળું ત્યાં દર્શન કરવા પહોંચ્યું હતું. જે દરમિયાન ઉશ્કેરાયેલા આ ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.


