પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા વેડ ગામે વાલીઓ માટે લાલબત્તી સમાન અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ઘર નજીક રમતાં-રમતાં એક નિર્દોષ બાળકના મોઢાના ભાગે અચાનક લોખંડનો ધારદાર સળિયો ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સળિયો મોઢામાં ઊંડે સુધી ફસાઈ જતાં બાળકની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.
તબીબોની ત્વરિત સર્જરીથી બાળક સુરક્ષિત
બાળકને હોસ્પિટલ લાવવામાં આવતાં જ તબીબોની ટીમે ગંભીરતા સમજીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર શરૂ કરી હતી. ડૉ. બરોડાવાલા, ડૉ. અરવિંદભાઈ ચૌધરી તેમજ ડેન્ટલ અને એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબો સહિત હોસ્પિટલના સ્ટાફે સાથે મળીને જટિલ કામગીરી સંભાળી હતી. તબીબોએ ભારે તકેદારી અને કુશળતાપૂર્વક સર્જરી કરીને બાળકના મોઢામાં ફસાયેલો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢી લીધો હતો. સમયસર મળેલી આ યોગ્ય સારવારના કારણે બાળકને મોટી હોનારતમાંથી ઉગારી લેવાતાં તેનો બચાવ થયો હતો.
