પાટણ જિલ્લા પંચાયતમાં 'પતિ રાજ' અને વહીવટી દખલગીરીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લા પંચાયતના મહિલા ઉપપ્રમુખ રૈયાબેન આયરના સ્થાને તેમના પતિ વજાભાઈ આયર ઉપપ્રમુખની સત્તાવાર સરકારી ખુરશી પર બેસીને વહીવટી રોફ જમાવતા નજરે પડ્યા છે. લોકશાહીમાં ચૂંટાયેલા મહિલા પ્રશ્નિધિના બદલે તેમના પતિ દ્વારા સરકારી હોદ્દાનો અયોગ્ય વપરાશ કરાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

સોશિયલ મીડિયા પર ઉપપ્રમુખ હોવાની પોસ્ટ મૂકી

વજાભાઈ આયર દ્વારા જિલ્લા પંચાયત કાર્યાલયમાં મહિલા ઉપપ્રમુખની ખુરશી પર બેઠેલાનો વીડિયો અને ફોટોગ્રાફ્સ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં તેઓ પોતે જ ઉપપ્રમુખ હોય તે પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિપક્ષ અને નાગરિકો દ્વારા શાસક પક્ષની કામગીરી અને મહિલા પ્રતિનિધિઓની સ્વાયત્તતા સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

Patan District Panchayat

વાયરલ વીડિયોથી મહિલા સશક્તિકરણના દાવાઓ સામે સવાલો

સરકાર દ્વારા પંચાયતી રાજમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને મહિલા સશક્તિકરણ (Women Empowerment) માટે વિવિધ યોજનાઓ અને અનામત પ્રથા લાવવામાં આવી છે. પરંતુ પાટણ જિલ્લા પંચાયતમાં બનેલી આ ઘટનાથી 'સરપંચ પતિ' કે 'પ્રમુખ પતિ' જેવી જૂની માનસિકતા ફરી છતી થઈ છે. સત્તાવાર ખુરશી પર પતિના આ પ્રકારે બિરાજમાન થવાના કિસ્સાથી તંત્રના મહિલા સશક્તિકરણના મોટા મોટા દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો