પાટણ જિલ્લાના રાધનપુરમાં એક કેસમાં નિવેદન આપવા અર્થે આવેલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના શખ્સોએ ખાખી વર્દીની શરમ પણ ન રાખી હોય તેવી ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. રાધનપુર સ્થિત DySP કચેરીમાં ફરજ બજાવતા ASI પર કચ્છના આડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના સાથીદારો સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હતો. નિવેદન આપવા આવેલા આ શખ્સોએ ASIનું ગળું દબાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતાં સમગ્ર પોલીસ બેડામાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે.
કોન્સ્ટેબલ ભરત શંકર આહિ સહિત ત્રણ નિવેદન નોંધાવવા આવ્યા હતા
મળતી વિગતો અનુસાર, કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ભરત શંકર આહિર પોતાના અન્ય સાથીદારો આયર શંકરભાઈ ડુંગરભાઈ અને લક્ષ્મણ ઉર્ફે લાલો નામના શખ્સો સાથે રાધનપુર DySP કચેરી ખાતે નિવેદન નોંધાવવા આવ્યો હતો.
ASI સાથે ઉગ્ર બોલાચાલી કરી
નિવેદન પ્રક્રિયા દરમિયાન આ ત્રણેય શખ્સોએ અચાનક દાદાગીરી શરૂ કરી દીધી હતી. તેઓએ ASI સાથે ઉગ્ર બોલાચાલી કરીને ગાળો ભાંડી હતી અને સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.
કોન્સ્ટેબલ ભરત આહિરે ASI પર સીધો હુમલો કરી દીધો
આટલેથી ન અટકતાં ઉશ્કેરાયેલા આડેસરના કોન્સ્ટેબલ ભરત આહિરે ASI પર સીધો હુમલો કરી દીધો હતો અને તેમનું ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ કચેરી પરિસરમાં જ આત્મવિલોપન કરવાની ધમકીઓ આપતાં સ્થિતિ અત્યંત ગરમાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગળું દબાવનાર કોન્સ્ટેબલ ભરત શંકર, શંકરભાઈ આહિર અને લક્ષ્મણ ઉર્ફે લાલો સામે હત્યાની કોશિશ અને આત્મવિલોપનની ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?