પાટણ જિલ્લાના રાધનપુર-થરા નેશનલ હાઈવે 27 પર એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાધનપુર નજીક આવેલા સીનાડ ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ના રોડ ડિવાઈડર પર વાવેલા વૃક્ષો તથા છોડવાઓને પાણી છાંટી રહેલા ટેન્કરને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાં જ ટેન્કર અને ટ્રેલરના કૂચેકૂચા નીકળી ગયા હતા.

Accident near Sinad village in Patan

શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત, ટ્રેલર ચાલકની હાલત ગંભીર

અકસ્માતની આ દિલધડક ઘટનામાં હાઈવે પર વૃક્ષોને પાણી છાંટી રહેલા નિર્દોષ શ્રમિકનું ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલકને પણ શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ટ્રેલર ચાલકને વધુ સારવાર અર્થે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Accident near Sinad village in Patan

NHAI અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ના અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો અકસ્માત અંગેની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પરંતુ પોલીસે વાહનો દૂર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો