પાટણ જિલ્લાના રાધનપુર નજીક કચ્છ-કંડલા નેશનલ હાઈવે પર એક અત્યંત કાળજું કંપાવનારી માર્ગ દુર્ઘટના સામે આવી છે. હાઈવે પર ઉભેલી એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક હોનારતમાં કારમાં સવાર 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ખાટુશ્યામજી દર્શન કરીને પરત ફરતી વખતે નડ્યો કાળ

મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો રાજસ્થાન સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ખાટુશ્યામજીના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર નજીક નેશનલ હાઈવે પર આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક જ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. એક જ ગામના શ્રદ્ધાળુઓ સાથે આ હોનારત સર્જાતાં અંજાર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Patan News: 3 Kutch Devotees Killed in Road Accident, 4 Injured in Car Truck Collision Near Radhanpur

ચાર ગંભીર ઈજાગ્રસ્તો ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ

અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કૂચડો વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે મદદ માટે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે ધારપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Patan News: 3 Kutch Devotees Killed in Road Accident, 4 Injured in Car Truck Collision Near Radhanpur

પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ

અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ સમગ્ર મામલે રાધનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Patan News: ગટરના મુદ્દે હાઇવે ચક્કાજામ બાદ તંત્ર હરકતમાં, સમીક્ષા માટે ગાંધીનગરથી ટીમ દોડી આવી