પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ગણેશપુરા ગામમાં એક નિવૃત્ત વૃદ્ધને નિશાન બનાવી તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી પડાવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ ફરિયાદી વૃદ્ધ સાથે ધંધાકીય વ્યવહારમાં ખોટું નુકસાન થયું હોવાનું બહાનું બતાવીને માનસિક દબાણ ઊભું કર્યું હતું અને તેમની પાસેથી તબક્કાવાર રૂ. 25 લાખની રકમ બળજબરીથી પડાવી લીધી હતી.
વૃદ્ધને ધંધામાં ખોટું નુકસાન બતાવી રૂ. 25 લાખ પડાવ્યા
આ ઘટનામાં રૂ. 25 લાખ પડાવી લીધા બાદ પણ આરોપીઓનો અસંતોષ શમ્યો નહોતો. આરોપીઓએ વધુ પડપંચ રચીને "અમારે હજુ તમારા ભેગા 3 કરોડ રૂપિયા લેવાના નીકળે છે" તેમ કહીને વૃદ્ધ પાસે મોટી રકમની ગેરકાયદે માંગણી શરૂ કરી હતી. જ્યારે વૃદ્ધે આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવી, ત્યારે આરોપીઓએ તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
