પાટણ જિલ્લાના સમી તાલુકામાંથી મીડિયાના અહેવાલની એક ખૂબ જ મોટી અને ધારદાર અસર સામે આવી છે. સમી તાલુકાના સોનાર અને નાયકા ગામ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં ધમધમતી અને ભયંકર પ્રદૂષણ ફેલાવતી ‘પ્રગતિ ઈન્ડસ્ટ્રીઝ’ નામની કેમિકલ ફેક્ટરી સામે સરકારી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી સ્થાનિક રહીશોના આરોગ્યને નુકસાન પહોંચાડતી આ પ્રદૂષણકારી કેમિકલ ફેક્ટરીને આખરે તંત્ર દ્વારા તાળાં મારી દેવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

GPCB દ્વારા ફટકારાયો ક્લોઝર ઓર્ડર

આ કેમિકલ ફેક્ટરી દ્વારા છોડવામાં આવતા દૂષિત તત્વોને કારણે સોનાર અને નાયકા ગામના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ગ્રામજનો દ્વારા પ્રદૂષણ અંગે સતત કરવામાં આવેલી રજૂઆતો અને હોબાળા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ટીમ એક્શનમાં આવી હતી. જીપીસીબી દ્વારા કાયદાનું કડક પાલન કરાવીને, પાણી પ્રદૂષણ નિયંત્રણ એક્ટની કલમ-33 (અ) હેઠળ પ્રગતિ ઈન્ડસ્ટ્રીઝને તાત્કાલિક અસરથી બંધ કરવાનો ‘ક્લોઝર ઓર્ડર’ (ફેક્ટરી બંધ કરવાનો હુકમ) ફટકારી દેવામાં આવ્યો છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ જાગ્યું તંત્ર

રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલતી આ ફેક્ટરીના પ્રદૂષણથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. આ ધારદાર અહેવાલ ટેલિવિઝન પર પ્રસારિત થતાં જ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દોડતું થયું હતું અને ગણતરીના કલાકોમાં જ કંપનીને સીલ મારી બંધ કરવાની ફરજ પડી છે, જેથી ગ્રામજનોએ મીડિયાનો આભાર માન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો