આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પવિત્ર નવરાત્રિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી વચ્ચે તસ્કરો બેફામ બન્યા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. પરિવારજનો ગરબે ઘૂમવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવીને તસ્કરોએ બે અલગ-અલગ સોસાયટીઓમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

કોલેજ ચોકડી નજીક મલ્હાર સોસાયટીમાં તસ્કરોનો દરોડો

પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસેની મલ્હાર સોસાયટીમાં કૌશિકભાઈ પુનમભાઈ ગાંધીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારજનો નવરાત્રિના આયોજનમાં બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સેરવીને રફૂચક્કર થઈ ગયા હતા.

Smugglers rampant in Petlad during Navratri

પ્રથમ સોસાયટીમાં પણ મકાનનું તાળું તોડ્યું, પોલીસ તપાસ શરૂ

આટલેથી ન અટકતાં તસ્કરોએ નજીકમાં જ આવેલી 'પ્રથમ સોસાયટી' માં પણ એક બંધ મકાનનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મકાનમાલિકો અને આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પેટલાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી, આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તસ્કરોના સગડ મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો