સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહે નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે. તંત્ર દ્વારા નદી-નાળા કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, યુવાનોને નદી-નાળામાં સ્ટંટ જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને ચોમાસા દરમિયાન રસ્તા લપસણા હોવાથી વાહનચાલકોને ધીમે તેમજ સાવચેતીથી વાહન ચલાવવા જણાવાયું છે.
જોખમી સ્થળો પર જવાનો તૈનાત અને તરવૈયા સજ્જ
સુરક્ષા અને બચાવ કામગીરી માટે નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને બ્રિજ પર પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી (GRD) ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઈમરજન્સી બચાવ કામગીરી માટે સ્થળ પર તરવૈયાઓ અને જરૂરી સામગ્રી સાથે પોલીસ ટીમોને સજ્જ રાખવામાં આવી છે. આ સિવાય, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજના પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં પ્રવાસીઓ કે સ્થાનિકોના પ્રવેશવા પર મનાઈ હુકમ ફટકારવામાં આવ્યો છે.
