સામાન્ય રીતે વૈશાખના તાપ અને ઉનાળાની ઋતુમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં જેનો સ્વાદ માણવા મળે છે તેવી સૌરાષ્ટ્રની જગમશહૂર ‘કેસર કેરી’એ ભર ઓક્ટોબરમાં બજારમાં દસ્તક આપીને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ઑક્ટોબર મહિનામાં કેસર કેરીની અનોખી હરાજી યોજાઈ હતી, જેમાં 10 કિલોના એક બોક્સની કિંમત ₹14,500 સુધી બોલાઈ હતી. યાર્ડમાં આવેલી કુલ ૪ પેટી કેરી ₹53,500 ની તોતિંગ કિંમતે વેચાતાં વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ભારે કુતૂહલ સર્જાયું છે.

રાણાવાવ અને હનુમાનગઢથી આવી કેસર કેરીની પેટીઓ

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં રાણાવાવ પંથકમાંથી 3 બોક્સ અને હનુમાનગઢ ગામની વાડીમાંથી 1 બોક્સ મળી કુલ 4 બોક્સ કેસર કેરી હરાજી માટે લાવવામાં આવ્યા હતા.હનુમાનગઢથી આવેલા 10 કિલોના એક બોક્સ પર બોલી લગાવતી વખતે વેપારીઓમાં ભારે રસાકસી જોવા મળી હતી અને અંતે આ બોક્સ રેકોર્ડબ્રેક ₹14,500 માં વેચાયું હતું. જ્યારે બાકીના બોક્સ સહિત કુલ ચારેય બોક્સનું વેચાણ મળીને કુલ ₹53,500 ઉપજ્યા હતા.ભરશિયાળાના આગમન ટાણે કેસર કેરીની બોલી જોવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને ખરીદદારોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ગરમી અને વરસાદની અછત વચ્ચે કેરી વહેલી પાકી ગઈ

સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર ડિસેમ્બર-જાન્યુઆરીમાં મોર (ફૂલ) બેસતા હોય છે અને માર્ચ-એપ્રિલમાં ફળ પાકીને તૈયાર થતા હોય છે.જોકે, ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની તીવ્ર અછત અને વાતાવરણમાં સતત વધેલા અસામાન્ય તાપમાનના કારણે આંબામાં ફળ નિર્ધારિત સમય કરતાં ૬ મહિના વહેલાં પાકી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.હવામાનના આ મોટા ફેરફાર અને કમોસમી પાકથી કૃષિ નિષ્ણાતો અને બાગાયતી ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સમય પહેલાં જ કેસર કેરી પાકી જવાની ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

આ પણ વાંચો: Surendranagar: PGVCLની 31 ટીમોના સામૂહિક દરોડામાં ₹20.30 લાખની વીજ ચોરી પકડાઈ